જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળો પર આતંકીઓ દ્વારા ઘાત લગાવીને કરવામાં આવેલ હુમલામાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના બે જવાન શહિદ થયા છે. આ હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરી એક આતંકીને ઠાર કર્યો છે.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના બારામુલાના ક્રેરી વિસ્તારમાં CRPF અને પોલીસની જોઈન્ટ પેટ્રોલિંગ ટીમ પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ પોલીસ ઓફિસર શહીદ થયો છે. જ્યારે CRPFના બે જવાનો આ હુમલામાં ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા તેઓ શહિદ થયા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઓપરેશનમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. મહત્વનું છે કે, અગાઉ 14 ઓગસ્ટે પણ શ્રીનગરના બહારી વિસ્તાર નૌગામમાં આતંકીઓએ પોલીસ કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 2 પોલીસ જવાન શહીદ થયા હતા.