બિહાર વિધાનસભા ચૂંટણીની મગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં એ નક્કી થઈ જશે કે આ વખતની ચૂંટણીમાં જીતનો કળશ કોના માથે ઢોળાય છે. એક્ઝિટ પોલ્સ પર નજર કરીએ તો તેજસ્વી યાદવ આ વખતે ચૂંટણીમાં ભાવી મુખ્યમંત્રીના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.
મતગણતરી શરુ થતાની સાથે જ આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના નેતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ કંઈ પણ એલફેલ ભાષાનો પ્રયોગ ન કરે. તેજસ્વી યાદવે તેમની ઘરની બહાર ઊભા રહેલા નેતાઓને બોલાવીને સ્પષ્ટ નિર્દશ આપ્યા કે પરિણામ કંઈ પણ આવે કોઈ પણ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ખોટા શબ્દોનો ઉપયોગ નહીં કરે.
તેઓએ કહ્યું કે અમે જોયું છે કે અનેક નેતા કેમેરાની સામે પીએમ મોદીની વિરુદ્ધ બોલી રહ્યા છે જે યોગ્ય નથી. તેઓએ એવું પણ કહ્યું કે આ પ્રકારના નિવેદન આપનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણીસભામાં ઘણા નેતાઓ પીએમ મોદી વિરુદ્ધ ખોટા શબ્દનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.