ભારતની મહિલા ક્રિકેટ ટીમની યુવા સનસનાટી શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલાઓની ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હાલ રમાઈ રહેલી વર્લ્ડ કપમાં શેફાલીએ રમેલા ઝમકદાર દાવને કારણે તે આ ટોચનું રેન્કિંગ પ્રાપ્ત કરી શકી છે.
16 વર્ષીય શેફાલી વર્માએ ન્યૂઝીલેન્ડની સુધી બેટ્સને પછાડીને રેન્કિંગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઓક્ટોબર 2018થી સુઝી બેટ્સ આ સ્થાન પર કાયમ હતી. સુઝીએ વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર પાસેથી આ તાજ છીનવ્યો હતો.
આઈસીસીએ તાજેતરમાં જાહેર કરેલના રેન્કિંગ મુજબ ભારતની વધુ એક બેટર સ્મૃતિ મંધાના નીચે સરકીને છઠ્ઠા ક્રમે આવી ગઈ છે.
આઈસીસીના બોલિંગ રેન્કિંગમાં ભારતની પૂનમ યાદવ ચાર સ્થાન ઉપર આવીને આઠમાં ક્રમે પહોંચી છે. પૂનમ યાદવનું વર્તમાન વર્લ્ડ કપમાં પ્રદર્શન સરાહનીય રહ્યું છે. આ ઉપરાંત શ્રીંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ બેટિંગ રેન્કિંગમાં 18માં ક્રમેથી ચાર સ્થાન આગળ આવીને 14માં ક્રમે રહી છે. ઈંગ્લેન્ડની નેટ સ્કીવર પુન: ટોપ 10માં પહોંચી છે અને હીથર નાઈટે સૌપ્રથમ વખત ટોચના 15 ક્રમમાં સ્થાન મેળવ્યું છે.