દેશભરમાં કોરોના અને લોકડાઉનની સ્થિતિના કારણે વેપાર-ધંધામાં જે વ્યાપક અસર થઈ છે અને સમગ્ર વેપારી વ્યવહારો પણ ખોરવાયા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે આવકવેરા રીટર્ન ફાઈલ કરવા તથા આવકવેરા રીટર્ન મુજબની કરવેરા જવાબદારી અદા કરવાની તથા વિવિધ રોકાણ મારફતે જે કરલાભ મેળવાય છે તેની મુદ્દત વધારી છે.
કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાંકીય વર્ષ 2018-19 માટે રિવાઈઝ્ડ અને ઓરિજનલ રિટર્ન દાખલ કરવાની તારીખમાં એક મહિનો વધારીને 31 જુલાઈ અને આધાર કાર્ડને પાન સાથે જોડવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 સુધી કરી છે.
સીબીડીટીએ એક નોટિફિકેશન દ્વારા 2019-20 દરમિયાન ટેક્સ છૂટ મેળવવા માટે જુદી જુદી યોજનાઓમાં રોકાણ માટેની તારીખ પણ એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. આ રીતે કરદાતા આવકવેરાની કલમ 80 સી, 80ડી અને 80જી અંતર્ગત 31 જુલાઈ 2020 સુધી રોકાણ કરી તેના પર નાણાંકીય વર્ષ 2019-20માં છૂટનો દાવો કરી શકે છે.
આ ઉપરાંત સરકારે પાન-આધાર લિંક કરવાની તારીખને પણ આગળ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. આવક વિભાગે આ સાથે જ નાના અને મધ્યમ કરદાતા કે, જેની સેલ્ફ અસેસમેંટ ટેક્સની દેવાદારી 1 લાખ રૂપિયાથી ઓછી છે અને તેમના માટે ટેક્સ પેમેંટની તારીખ 30 નવેમ્બર 2020 કરી દીધી છે.