રાજ્યમાં દર વર્ષે વરસાદ બાદ તંત્રની પોલ સામે આવી જતી હોય છે. ચોમાસામાં થોડોક વરસાદ પડે તો પણ રોડ રસ્તાઓ તૂટી જતા હોય છે આ સ્થિતિ લગભગ દરેક જીલ્લાઓના શહેરો તેમજ ગામડાઓમાં જોવા મળતી હોય છે. પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં છેલ્લા 2 મહિનાથી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અહીં આદર્શ હાઈસ્કૂલની બાજુમાં ટેલીફોન એક્ષચેન્જ દ્વારા એક ખાડાનું ખોદકામ કરવામાં આવ્યું હતું પણ તે છેલ્લા 2 મહિનાથી જેસે થેની સ્થિતિમાં જ છે. મતલબ કે આ ખાડાને પુરવામાં આવ્યો નથી. જેના કારણે મોટી દુર્ઘટના ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વરસાદની મોસમ ચાલી રહી છે. એવામાં જો ખાડામાં પાણી ભરાઈ જાય અને ત્યાંથી પસાર થઇ રહેલુ વાહન જો ખાડામાં પડે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકોની માગ છે કે તંત્ર દ્વારા આ ખાડાને જલ્દીમાં જલ્દી પૂરી દેવામાં આવે. જણાવી દઈએ કે આ ખાડો આદર્શ હાઈસ્કુલની બાજુમાં પડ્યો છે જ્યાંથી દરરોજ શાળાના બાળકો પસાર થઇ રહ્યા છે. ત્યારે બે મહિના પહેલા ખોદવામાં આવેલા ખાડાનું કામ અધુરુ મૂકી ટેલીફોન એક્ષચેન્જની નફ્ફટાઈ સામે લોકો ભારે રોષ વરસાવી રહ્યા છે.