ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં ગત અનેક મહિનાઓથી તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. બંને દેશોની વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને શાંત કરવા માટે અનેકવાર સૈન્ય કમાન્ડર સ્તરની બેઠક પણ થઈ છે પરંતુ ચીન નિયંત્રણ રેખાથી પોતાના પગલાં પાછા હટાવવા માટે તૈયાર નથી દેખાતી. ત્યારે ભારતીય સેનાએ પૂર્વ લદાખમાં ચીનની કોઈ પણ ચાલબાજીને પહોંચી વળવા માટે ટેન્ક રેજિમેન્ટને મેદાનમાં ઉતારી દીધી છે.
આ રેજિમેન્ટમાં ભીષ્મ, અર્જૂન સહિત અનેક આધુનિક ટેન્કો છે. જે ગણતરીની ક્ષણોમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે. રવિવારે ભારતીય સેનાએ લેહથી 200 કિલોમીટર દૂર લદાખના ચૂમાર ડેમચોક વિસ્તારમાં ટેન્ક અને અન્ય વાહનો તૈનાત કર્યા છે. ભારતીય સેના તરફથી LAC પર ચુમાર-ડેમચોક વિસ્તારમાં બીએમપી-2 ઇન્ફેટ્રી કોમ્બેટ વ્હીકલ્સની સાથે ટી-90 અને ટી-72 ટેન્કોની તૈનાતી કરવામાં આવી છે. આ ટેન્કની ખાસ વાત એ છે કે તે પૂર્વ લદાખમાં માઇનસ 40ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં અચૂક રીતે દુશ્મન પર હુમલો કરી શકે છે. આ ટેન્ક રેજિમેન્ટની તૈનાતી સાથે જ ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે યુદ્ધની સ્થિતિમાં તે તેના કબજાવાળા વિસ્તારમાં ઘૂસવામાં પણ પાછી પાની નહીં કરે.