સુઝુકીએ તેની પ્રથમ ફ્લાઈંગ કારનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તેને SkyDrive સાથે મળીને તૈયાર કરી રહી છે. તેનું ઉત્પાદન જાપાનના ઇવાટા પ્લાન્ટમાં શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટની અંદર એક વર્ષમાં 100 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) ફ્લાઈંગ કારનું ઉત્પાદન કરી શકાય છે. આ ઉડતી કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ છે. આને એડવાન્સ એર મોબિલિટી (AAM) અથવા અર્બન એર મોબિલિટી (UAM) તરીકે પણ ઓળખવામાં આવે છે. સુઝુકીએ તાજેતરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં પણ આ ફ્લાઈંગ કાર રજૂ કરી હતી.
સુઝુકીની આ સ્કાયડ્રાઈવ ફ્લાઈંગ કાર એક પ્રકારનું ઈલેક્ટ્રિક ડ્રોન છે, જેમાં ઓટોપાયલટ જેવી ઓટોનોમસ સહાય આપવામાં આવી છે. સ્કાયડ્રાઈવ eVTOL એક કોમ્પેક્ટ, 3-સીટર ડ્રોન છે જે સામાન્ય રીતે હેલિકોપ્ટરની જેમ કાર્ય કરે છે. તે ઊભી રીતે ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. આ કોમર્શિયલ ફ્લાઈંગ ડ્રોન ભવિષ્યમાં એર ટેક્સી સેવામાં ઉપયોગ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. આનાથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના વધતા દબાણને ઘટાડવામાં પણ મદદ મળશે.
Skydrive Inc. એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં eVTOLનું પ્રદર્શન કરવા અને 2027 સુધીમાં ગુજરાતમાં તેનું પરીક્ષણ કરવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) સાથે કરાર કર્યા હતા. પરીક્ષણ ઉપરાંત, SkyDrive વ્યવસાયની તકો ઊભી કરવાની પણ યોજના ધરાવે છે. વધુમાં, જાપાનીઝ એરક્રાફ્ટ ઉત્પાદકે Skydrive eVTOL ના ભારતીય ભાવિ માટે વધુ તકનીકી સમર્થન માટે હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની Cyient સાથે કરાર કર્યો છે. સ્કાયડ્રાઈવનો દાવો છે કે જાપાનના કેટલાક પર્વતીય વિસ્તારોમાં કાર્ગો ડ્રોન પહેલેથી જ કામ કરી રહ્યા છે. તેણે શરૂઆતમાં કોમ્પેક્ટ ટુ સીટર ઇલેક્ટ્રિક ફ્લાઈંગ કાર પણ ડિઝાઇન કરી છે.