ઓટો એક્સપોના બીજા દિવસે મારુતિ સુઝુકીએ પોતાની ઓફ રોડર એસયુવી જિમ્નીને લોન્ચ કરી છે. જિમ્ની ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર છે. મારુતિ છેલ્લા પાંચ વર્ષથી તેને અલગ અલગ ઇવેન્ટમાં બતાવી રહી છે, પરંતુ આખરે તેને 2023માં લોન્ચ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ તેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જિમ્નીનું 4 વ્હીલ ડ્રાઇવ અને 5 ડોર વર્ઝન ભારતમાં લાવવામાં આવ્યું છે. આ ઓફ રોડર કારમાં 1.5 લીટર, 4 સિલિન્ડર કે-15-બી પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. તે 6,000 આરપીએમ પર 101 બીએચપી પાવર અને 4,000 આરપીએમ પર 130 એનએમ ટોર્ક જનરેટ કરશે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ઓપ્શનમાં મળશે. આ એસયુવીમાં વોશર સાથે ઓટો એલઇડી હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે.
એક્સ્પોના બીજા દિવસની શરૂઆતમાં એમજીએ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત કાર Euniq 7ને લોન્ચ કરી હતી. આ કારમાં P390 ફ્યુઅલ સેલ છે. કંપનીનું કહેવું છે કે તેની 6.4 લીટરની ટેન્કને રિફ્યુઅલ કરવામાં માત્ર ત્રણ મિનિટનો સમય લાગશે. આ સાથે જ પૂર્ણ ટેન્ક સાથે તેની રેન્જ 605 કિ.મી. કંપનીએ તેને ક્લીન મોબિલિટી માટે મહત્વનું ગણાવ્યું છે.
મારુતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ SUV ફ્રેન્ક્સ પણ લોન્ચ કરી છે. યુવા વર્ગને ધ્યાનમાં રાખીને તેને 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેમાં આપવામાં આવેલી સુવિધાઓ તેને ગ્રાહકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરે છે. ખાસ વાત એ છે કે લોન્ચિંગની સાથે જ બંને વાહનોનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. મારુતિ તેને તેની પ્રીમિયમ ડીલરશીપ નેક્સા દ્વારા વેચશે.
તો બીજી તરફ એમજી તેના ઇલેક્ટ્રિક વાહનને પણ રજૂ કરશે. આ કાર સોલર સિસ્ટમથી ઓપરેટ કરવામાં આવશે. આ ઉપરાંત ઇસુજુ, અલ્ટ્રાવાયોલેટ, જ્યુપિટર અને બેનેલી જેવી કંપનીઓ પણ પોતાના વાહનો રજૂ કરશે. એક્સ્પોના પહેલા દિવસનું નામ ઇલેક્ટ્રિક વાહનોના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અહીં તમામ કંપનીઓએ મળીને 59 વાહનો રજૂ કર્યા કર્યા હતા.