ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્રની શાન એવા એશિયાટિક લાયન્સનું આગમન થયું હોવાના અહેવાલ થોડા દિવસ અગાઉ સામે આવ્યા હતા. વન વિભાગે પણ આ અહેવાલની પુષ્ટી કરી હતી. ત્યારે છેલ્લા 15 દિવસથી ચોટીલાના વિવિધ વિસ્તારોમાં 2 નર સિંહ આંટા ફેરા કરતા હોવાના કારણે સ્થાનિક લોકોના પણ જીવ જોખમમાં મુકાયા છે અને લોકો ભયનો માહોલ અનુભવી રહ્યા છે. ત્યારે ચોટીલાના રેશમિયા ગામે ખેતરમાં સિંહોના પગલા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે વન વિભાગના કર્મચારીઓ લોકોને આ માટે જાગૃત કરવામાં લાગ્યા છે.
વન વિભાગના કર્મચારીઓ લોકોને જાગૃત રહેવા અને સિંહ જોવા મળે તો સચેત રહેવા માટે જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ચોટીલાના ઢેઢુકી ગામમાં ગીરના સાવજ દેખાયા હતા. બે સિંહ ચોટીલા પંથકમાં ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.