સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે યોજાનારી નીટ પરીક્ષાને સ્થગિત અથવા રદ્દ કરવાની માંગ સાથે કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને સ્થગિત કરવાને લઈ દાખલ કરેલ ત્રણ અરજીઓ પર સુનાવણી યોજવાની ના પાડી દીધી છે. જસ્ટિસ અશોક ભૂષણે 13 સપ્ટેમ્બરે નીટ પરીક્ષા ટાળવા માટે દાખલ અરજીઓને ફગાવી દીધી છે.
હવે નિર્ધારિત સમય એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ NEET પરીક્ષા દેશભરમાં લેવામાં આવશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કોરોનાના સંક્રમણને પગલે સપ્ટેમ્બરમાં યોજાનારી NEET-JEE પરીક્ષાના સંદર્ભમાં 17 ઓગસ્ટના ઓર્ડરની સમીક્ષા માટે બિનભાજપ શાસિત છ રાજ્યો દ્વારા દાખલ કરેલી અરજીઓને ચાર સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી.
ત્યારથી જ નીટ અને જેઈઈ પરીક્ષાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો હતો. મહત્વનું છે કે આ પહેલા 28 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ જેઈઈ અને નીટ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પણ ફગાવી ચુક્યુ છે. આપને જણાવી દઈએ કે, આ પરીક્ષા દરમિયાન કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈનનું પાલન પણ કરવાનું રહેશે. નીટની પરીક્ષા માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.