રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઈ આકરા પાણીએ જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દેશની તમામ રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી હતી અને કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા આદેશ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે માર્ગદર્શિકાના અભાવ અને SOP ના અપૂરતા અમલીકરણને કારણે આ વાયરસ હવે જંગલની આગની જેમ ફેલાવા લાગ્યો છે.
આ દરમિયાન રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુપ્રીમકોર્ટે દેશની તમામ કોરોના હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શિકા જારી કરી છે.
જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે ચુકાદો સંભળાવતાં કહ્યું કે દેશની તમામ કોરોના હોસ્પિટલો ફાયર એનઓસી તત્કાળ મેળવી લે અને જો તેઓ 4 અઠવાડિયામાં ફાયર એનઓસી ન મેળવે તો જે-તે રાજ્ય સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે. કોર્ટે કહ્યું કે દરેક રાજ્યએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જે રાજ્યને રિપોર્ટ સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોરોના માટે કામ કરતી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઑડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યોએ તમામ SOP અને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.