નરેન્દ્ર મોદી સરકારના નવા કૃષિ કાયદાઓને પરત લેવા દબાણ ઊભું કરવા માટે દિલ્હીના બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 21મો દિવસ છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે કે નહીં તેની પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે આ મામલા પર કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. સાથો સાથ સુપ્રીમ કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવાનું કહ્યું છે જેથી કરીને બંને પરસ્પર મુદ્દા પર ચર્ચા કરી શકે.
કોર્ટે પંજાબ અને હરિયાણીની સરકારને નોટિસ પાઠવવાની સાથે ખેડૂત સંગઠનોને એક નોટિસ પાઠવી છે . કોર્ટે સરકાર, ખેડૂત અને અન્ય પક્ષોની એક કમિટી બનાવવા કહ્યું છે. કોર્ટનું કહેવું છે કે, રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી હલ થવો જોઇએ. આવામાં વહેલી તકે કમિટી બનાવીને ચર્ચા થાય. હવે આ કેસની આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે..