હાલ… કોરોનાના કહેર વચ્ચે જો કોઈ ગંભીર સમસ્યા હોય તો એ છે રોજગાર. જી હા…. લોકોને પૂરતો રોજગાર ન મળતા તેઓ આર્થિક અને માનસિક રીતે ભાંગી પંડ્યા છે. ખાસ કરીને યુવકોમાં રોજગારને લઈને ભારે નિરાશા જોવા મળી રહી, જેના કારણે કેટલાંક લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યાં છે.
ગુજરાતમાં પણ આજે લાખો યુવાનો શિક્ષિત હોવા છતાં તેમની પાસે રોજગાર નથી. જેથી ઘણા યુવાનો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડી આપઘાત જેવુ પગલુ ભરવા મજબૂર બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ એક શિક્ષિત યુવકે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના અશોક સિનેમા પાસેની મંગલદિપ સોસાયટીમાં રહેતા ચિરાગ વાઘેલા નામના યુવકે બેરોજગારીના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.. ચિરાગે કોમ્યુનિકેશન એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી હતી અને છેલ્લા ઘણા સમયથી તે નોકરીની શોધમાં હતો. બીજીબાજુ તેનો પરિવાર પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં માનસિક અને આર્થિક રીતે ભાંગી પડેલા ચિરાગે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા સિદ્ધપુર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.