કોરોના મહામારીના કારણે હજી પણ ઘણા રાજ્યોમાં શાળાઓ શરુ કરવામાં આવી નથી. ત્યારે ઝારખંડના દુમકા જિલ્લાના જડમુંડી ગામના એક શિક્ષકની ખૂબ જ પ્રસંશા થઈ રહી છે. જડમુંડીના ડુમરથાર ગામના સરકારી સ્કૂલના શિક્ષકે કોરોનાકાળમાં પણ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમના ઘરે જ અભ્યાસની વ્યવસ્થા કરી હતી.
સપન કુમાર નામના આ સરકારી શાળાના શિક્ષકે ગામમાં બાળકોના ઘરની દીવાલ પર બ્લેકબોર્ડ બનાવી દીધા હતા અને ત્યાં જ બાળકોને અભ્યાસ આપવાનુ શરુ કરી દીધુ હતું. ડુમરથાર ગામના આ શિક્ષકની પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સાથે જ શિક્ષકે જે બ્લેકબોર્ડ એ રીતે તૈયાર કર્યા છે કે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તેથી બે બ્લેકબોર્ડ વચ્ચે અંતર પણ રાખ્યુ છે. સાથે જ માસ્ક પહેરવાના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
દુમકાના કલેક્ટરે જ્યારે શિક્ષાના આ અનોખા પ્રયોગની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો નીતિ આયોગે પણ આ પહેલની પ્રશંસા કરી. નીતિ આયોગે આ તસવીરોને રી ટ્વિટ કરી શિક્ષકના ધગશની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે બાળકો માટે સ્કૂલે જવુ મુશ્કેલ છે. તેવી સ્થિતિમાં ડુમરથારના શિક્ષક સપન કુમારના આ પ્રયાસથી ત્યાંના બાળકો અભ્યાસથી વંચિત નથી. ઝારખંડમાં સ્કૂલની શિક્ષાને લઈને આ પ્રયોગ પ્રથમવાર થયો છે. ત્યારે શૈક્ષણિક રીતે પછાત મનાતા ઝારખંડમાં સ્કૂલી શિક્ષાને લઈ કરવામાં આવેલ આ પ્રયોગ નવી પ્રેરણા આપે તેવો છે.