શ્રી રામમંદિર ભૂમિપૂજન અગાઉ અયોધ્યા સંપૂર્ણપણે સજ્જ છે. આવતી કાલે 5 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દીવાલો પર રંગોથી ચિત્રકામ કરીને મૂર્તિઓના નિર્માણ સુધીનું કામ પૂરું થઈ ગયું છે.
અયોધ્યામાં ભૂમિપૂજન માટે હર્ષોલ્લાસ ચરમસીમાએ છે અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા સરકારે રામ મંદિરની સૂચિત તસવીરો જાહેર કરી છે.
ભૂમિ પૂજન પહેલા મંગળવારે હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી અને નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે. આપને જણાવી દઇએ કે, આવતીકાલે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.
પીએમ મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની ખાસ ઉપસ્થિતિમાં ભૂમિ પૂજનનો મોટા કાર્યક્રમ યોજાશે અને પ્રધાનમંત્રી મોદી નિર્માણની પહેલી ઇંટ મુકશે. ભૂમિ પૂજન કાર્યક્રમ પૂર્વે અવધના ગામોમાં રામ અને અયોધ્યાના ગુણગાન ગાતાં ભક્તિ લોક ગીતો બહાર આવ્યા છે. આપને જાણાવી દઇએ કે, દેશની તમામ નદીઓમાંથી પાણી ભૂમિપૂજન માટે મંગાવવામાં આવ્યું છે. ઘણા લોકો માનસરોવરનું પાણી પણ લાવ્યા છે. તેમજ રામેશ્વરમ અને શ્રીલંકાથી સમુદ્રનું પાણી પણ લાવવામાં આવ્યુ છે. લગભગ 2000 સ્થળોએથી પાણી અને માટી લાવવામાં આવી છે.