એકબાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં ઠેર-ઠેર સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન ફેલાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા ન જાળવવામાં આવતા રાજ્યમાં રોગચાળાએ પણ માજા મુકી છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં અને તાલુકામાં નગરપાલિકાઓ દ્વારા આ મામલે કડકહાથે કામ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાએ ગંદકી ફેલાવવા મામલે 27 લોકોને નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ, પાલનપુરમાં આવેલ નંદ બંગ્લોઝના 27 રહીશોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે. જાહેરમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતા નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ નોટીસનો યોગ્ય જવાબ નહીં અપાય તો સીઆરપીસી 133 મુજબ પ્રાંત કચેરીમાં ફરીયાદ કરવામાં આવશે તેવી પણ ચિમકી નગરપાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ગંદકી ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને નોટિસ ફટકારવામાં આવે તો નવાઈ નહીં.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -