બિહારમાં વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર બદમાશોના નિશાના પર બની છે. સાસારામમાં વંદે ભારત પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ટ્રેનની એક બોગીને નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય-ગયા રેલવે સેક્શન પર કરવંડિયા સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટના શુક્રવારે સાંજે વારાણસીથી રાંચી જઈ રહેલી વંદે ભારત ટ્રેન સાથે બની હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ વારાણસીથી રાંચી જતી વંદે ભારત ટ્રેન કરવંડિયા સ્ટેશન નજીકથી પસાર થઈ કે તરત જ અસામાજિક તત્વોએ ટ્રેનની બોગી પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ અંગે રેલવે પોલીસ દરેક તબક્કે તપાસ કરી રહી છે. આરપીએફના ઈન્સ્પેક્ટર સંજીવ કુમારે જણાવ્યું હતું કે અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે બિહારમાં વંદે ભારત પર પથ્થરમારાની આ પહેલી ઘટના નથી. વર્ષના જાન્યુઆરીની શરૂઆતમાં જ વંદે ભારત પર ત્રણ અઠવાડિયામાં ચાર વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સતત પથ્થરમારાના કારણે ટ્રેનની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. વંદે ભારત ટ્રેનનું ઉત્પાદન ભારતમાં થાય છે. અને દેશમાં ઘણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે.