છેલ્લા એક સપ્તાહથી દેશના વિવિધ ભાગોમાં ઠંડીનું જોર વધી રહ્યુ છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે જ્યાં ગરમ વસ્ત્રો અને લોકો તાપણાનો સહારો લેતા હોય છે તો કેટલાક લોકો દારુ પીને પણ ઠંડી દૂર કરતા હોય છે. જોકે ડોક્ટર્સ ચેતવણી આપી રહ્યા છે કે કાતિલ ઠંડીમાં દારુથી દૂર રહેવામાં જ શાનપણ છે.
ઉત્તર ભારતમાં તો હવામાન વિભાગે પણ પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની છે, અને આ દરમિયાન દારુથી દૂર રહો તેવી એડવાઈઝરી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દારુ પીવાથી શરીરનું તાપમાન ઘટે છે, અને હવામાન પણ ઠંડુ હોવાથી હેલ્થ પર તેની ખરાબ અસર પડી શકે છે.
મહત્વનું છે કે, લોકો ઠંડીથી બચવા દારુ પીતા હોય છે, અને એવી માન્યતા પણ છે કે દારુ પીવાથી શરીર ગરમ થાય છે, પરંતુ ખરેખર દારુ પીવાથી શરીરમાં ગરમી નથી આવતી. નશાની હાલતમાં સંવેદના ઘટી જતી હોવાથી ઠંડી મહેસૂસ નથી થતી. દારુ પીધા બાદ પણ ઠંડી લાગે છે. તેનાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો વધી જાય છે. ઠંડીમાં પરસેવો ના થતો હોવાથી સોલ્ટનું સ્તર વધી જાય છે.
ઠંડીમાં દારુ પીવાથી લોહીમાં શુગરની માત્રા અને બ્લડ પ્રેશર વધી જાય છે, જેનાથી તબિયત બગડવાની આશંકા રહે છે. નિષ્ણાંત તબીબ જણાવે છે કે, દારુ પીવાથી શરીરનું તાપમાન નીચે જાય છે. કારણકે, દારુ પીવાથી લોહીનું વહન કરતી નસો પહોળી થઈ જાય છે. સાથે જ શરીરની ગરમી ઝડપથી બહાર નીકળે છે. તેવામાં જો બહારના વાતાવરણમાં વધારે ઠંડી હોય તો શરીરનું તાપમાન પણ ઝડપથી નીચે જતાં શરદી સહિતની અનેક બીમારી થઈ શકે છે. તેનાથી હાર્ટ અટેકનો ખતરો પણ ઘણો વધી જાય છે. વળી, અસ્થમાના દર્દીઓને પણ અટેક આવવાની શક્યતા વધી જાય છે.