ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ મામલે સરકાર પાસે વિશાળ સત્તાઓ છે. જેથી ફીનો મામલો સરકાર ઉકેલે એમ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. શાળા સંચાલકો પણ ફી ઘટાડવા માટે તૈયાર થયા છે પણ કેટલા ટકા ફી ઘટાડવામાં આવશે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યુ હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટના નિર્દેશ અંગે જણાવ્યુ હતું કે, ઝડપથી ફી ઘટાડવા અંગે વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે. કોર્ટના નિર્દેશનો અભ્યાસ કરીને આ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે.
મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે ફી મામલે શુક્રવારે સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, ફી માટે રાજ્ય સરકાર પાસે સત્તા છે તેમ છતાં સરકાર કોર્ટને કેમ પૂછે છે. ફી મામલે વિવાદ ગંભીર બની રહ્યો છે અને સમાધાન થયું નથી તો સરકાર આ મામલે હજી સુધી કેમ કોઇ નિર્ણય લીધો નથી. મહત્વનું છે કે, કોરોનાકાળમાં લોકડાઉન બાદથી સ્કૂલ ફીનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે.