કોલકાતા એરપોર્ટ પર વિકલાંગ મહિલા સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. વિકલાંગ વ્યક્તિનો આરોપ છે કે તેની વિકલાંગતા હોવા છતાં તેને ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કોલકાતા એરપોર્ટ પર તેની સાથે થયેલા આ વર્તન વિશે આરુષિ સિંહ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ પોસ્ટ બાદ એરપોર્ટ સ્ટાફ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાએ આ દુર્વ્યવહાર અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા વિકલાંગ હોવા છતાં તેને ચેક-ઈન દરમિયાન ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાનો આરોપ છે કે કોલકાતા એરપોર્ટ પર નિયમિત સિક્યોરિટી ચેક દરમિયાન એક સ્ટાફ મેમ્બરે અસંવેદનશીલ રીતે તેને ત્રણ વખત ઉભા થવા માટે કહ્યું. આ ઘટનાનું વર્ણન કરતાં, વ્હીલચેર યુઝર આરુષિ સિંહે કહ્યું કે તેના ઇનકાર છતાં સ્ટાફે તેને ઊભા રહેવા દબાણ કર્યું.
“ગઈકાલે સાંજે કોલકાતા એરપોર્ટ પર સિક્યોરિટી ક્લિયરન્સ દરમિયાન અધિકારીએ મને (વ્હીલચેર યુઝર)ને એક વાર નહીં પરંતુ ત્રણ વાર ઉભા થવા કહ્યું,” સિંહે X પર લખ્યું. આરુષિ સિંહે જણાવ્યું કે તે જન્મથી જ અપંગ હોવાથી તે આ કરી શકતી નથી.
પોતાની વિકલાંગતાને કારણે આરુષિ આમ કરી શકતી ન હતી. તેમ છતાં સ્ટાફે તેમને બે મિનિટ ઊભા રહેવાની સૂચના આપી હતી. આ પછી, પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં સિંહે પુનરોચ્ચાર કરવો પડ્યો કે તેની વિકલાંગતા જન્મજાત હતી અને તેથી તે ઊભી રહી શકતી નથી. એરપોર્ટ સ્ટાફના આ વલણ વિશે જાણ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણીની પોસ્ટમાં, આરુષિ સિંહે આ ઘટના અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ટેગ કરીને તેની ફરિયાદ નોંધાવી હતી.