લોકડાઉન ૪ને અનુલક્ષી ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપવામાં આવ્યા છે. લોકડાઉનના નવા દિશા-નિર્દેશો અનુસાર બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ એસ.ટી. નિગમની બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લામાં સવારે ૮.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ૬૫ એસ.ટી.બસો કુલ- ૪૨૪ ટ્રીપો કરશે. તેમજ એસ.ટી.બસો શરૂ કરવાના નિર્ણયની બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ માહિતી આપતા જણાવ્યું કે, જીએસઆરટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરવામાં આવશે, તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસ.ટી.બસનું સંચાલન કરવામાં આવશે,
માત્ર ઇ-ટિકીટ કરેલા મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે, બસના રૂટોના સંચાલનમાં કોવિડ-૧૯ અંતર્ગત સાવચેતી માટે માસ્ક, સેનિટાઇઝેશન, થર્મલ સ્ક્રિનીંગની પણ એસ.ટી. દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. કલેકટરે મુસાફરી કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા અપીલ કરી છે.