દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે જ્યારે લાખો લોકો હજી આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. આ વાયરસ સામે લડવા માટે વિશ્વના દેશો પણ એકજૂટ થઈ રહ્યા છે. જે માટે મોટાભાગના દેશોએ આ માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગને હથિયાર બનાવ્યું છે..
લોકડાઉન હોવાથી લોકો ઘરની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. જેથી જીવન જરુરીયાતની ચીજવસ્તુ જેવી કે દૂધ-શાકભાજી લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. તો કેટલાક લોકો જાતે જ દુકાન કે મોલમાં જઈ ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે તુર્કીમાં એક સુપરહિરો વૃદ્ધોની મદદ કરી રહ્યો છે.
આ સુપરહિરો બીજો કોઈ નહીં પણ બાળકોથી લઈ વૃદ્ધોનો પ્રિય અને જાણીતું કાર્ટૂન કેરેક્ટર સ્પાઈડર મેન છે. બુરાક સોયલૂ નામનો યુવક સ્પાઈડરમેન બનીને વૃદ્ધો સુધી જરુરી સામાન પહોંચાડી રહ્યો છે.
goodableએ પોતાના ટ્વિટર પેજ પર આ અંગેના કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા અને ટ્વિટર પર લખ્યું કે, તુર્કીના બુરાક સોયલૂ સ્પાઈડર મેન બનીને વૃદ્ધો સુધી દૂધ-શાકભાજી અને અન્ય જરુરી વસ્તુઓ પહોંચાડે છે. હાલ ટ્વિટર પર યુઝર્સ આ તસવીરો શેર કરી રહ્યા છે અને આ કામગીરીને પસંદ કરી રહ્યા છે.