કોરોના કાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભ મેળાને લઈ SOP જાહેર કરવામાં આવી છે જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. કુંભમાં પ્રવેશના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તેવા શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. સમગ્ર કુંભ મેળા ક્ષેત્રમાં કોરોના સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખીને સરકારે 10 સેક્ટર માટે SOP બહાર પાડી છે.
આ સેક્ટર્સમાં આશ્રમ, ધર્મશાળા, હોટેલ, રેસ્ટોરા અને ગેસ્ટહાઉસ, દુકાન, વ્યાપારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, સાર્વજનિક પરિવહન, વાહનો માટેના પાર્કિંગ સ્થળો, હોલ્ટિંગ પોઈન્ટ, ઘાટ, રેલવે અને બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ એસએ મુરૂગેશનના કહેવા પ્રમાણે કુંભ માટે આંતરરાજ્ય પરિવહન, નોંધણી વગેરેને લઈ ટૂંક સમયમાં જ વધુ એક SOP જાહેર કરવામાં આવશે.
માઘ પૂર્ણિમા પર 27મી ફેબ્રુઆરીના રોજ હરિદ્વારમાં કુંભનું આયોજન પ્રસ્તાવિત છે જેને લઈ સરકારે તૈયારીઓ વધારી દીધી છે. કુંભ સામેનો મુખ્ય પડકાર કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવવું તે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વિભિન્ન સેક્ટર માટે SOP જાહેર કરવામાં આવી છે. કુંભમાં આવતા તમામ યાત્રિકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તથા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.