કોરોના મહામારી બાદથી ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેમાં મધ્યમ વર્ગની હાલત એટલી ખરાબ થઈ છે કે ભારતમાં ભૂખમરો તેમજ ગરીબીને લઈ સંકટ ઉભુ થયું છે. તેવી સ્થિતિમાં ભારતમાં ગરીબી રેખા નક્કી કરવાનો ફોર્મ્યુલા બદલવામાં આવી શકે છે.
ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યાખ્યા વ્યક્તિગત આવકના આધારે નહીં હોય પરંતુ તેમાં વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડને મહત્વ આપવામાં આવશે. જેમાં ઘર, શિક્ષણ અને સેનિટાઇઝેશન જેવી પાયાની મૂળભૂત જરુરિયાતો અને સુવિધાઓના આધારે ગરીબી રેખાની વ્યાખ્યા કરવામાં આવશે. કેન્દ્રિય ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ એક વર્કિંગ પેપરમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આશ્ચર્યજનીક રીતે આ રિસર્ચ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ બેંકે ભારતને ઓછી અને મધ્યમ આવકવાળા દેશ તરીકે દર્શાવતા દેશમાં ગરીબી રેખા આંકતા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ રુ. 75ની મર્યાદા બાંધી છે, જે ભારતના હાલના ગરીબી રેખા માટેના નિશ્ચિત પેરામીટર કરતા વધારે છે. આ ઉપરાંત રિસર્ચ પત્ર કહે છે કે કોરોના વાયરસ મહામારીએ કેટલીક મહત્વની બાબતોની ગંભીરતાને રેખાંકિત કરી છે. જેમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર, શિક્ષણ અને જાગૃતિ, પાણી અને સેનિટાઇઝેશન ફેસિલિટી, પર્યાપ્ત માત્રામાં પોષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે રહી શકાય તેવી જગ્યાનો સમાવેશ થાય છે.