દેશમાં કોરોના વેક્સીનેશનના મુદ્દે ICMRના ડીજી બલરામ ભાર્ગવે મહત્વનું નિવેદન આપતાં કહ્યુ કે, સમગ્ર દેશમાં વેક્સીનેશનની જરુરત નથી. તેમનું કહેવુ હતું કે, અમારુ મુખ્ય લક્ષ કોરોના વાયરસના ટ્રાન્સમિશનને તોડવાનો છે અને જો એમાં સફળ થઇએ તો સમગ્ર દેશમાં વેક્સીનેશનની જરુરત જ નથી.
આ સિવાય સ્વાસ્થ સચિવ રાજેશ ભૂષણે કહ્યુ હતું કે આખા દેશમાં વેક્સીનેશનની વાત સરકારે ક્યારે કરી જ નથી. આ દરમિયાન સ્વાસ્થ મંત્રાલયે દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિને લઇને માહિતી પ્રસાર કરી હતી. સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ વિશ્વમાં કોરોના મહામારીથી પ્રભાવિત અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ મજબૂત છે.
તેમણે જણાવ્યું કે, વિતેલા સાત દિવસમાં ભારતમાં દસ લાખની વસતીએ 211 કેસ સામે આવ્યા. જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 3354 હતું. મૃત્યુઆંકમાં 10 લાખની વસતીએ ભારતમાં મૃત્યુદર 100 છે. જે અન્ય કોઇ પણ દેશની સરખામણીએ ઓછો છે. પ્રતિ દિવસ કોવિડ ટેસ્ટિંગમાં પણ ભારત અમેરિકા, રશિયા, યૂકે અને ફ્રાન્સથી આગળ છે.