કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચર્ચાનો દોર યથાવત છે. પાર્ટીના કેટલાક નેતાઓના પત્રને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે. હાલમાં જ કોંગ્રેસની મળેલી કાર્ય સમિતિની બેઠકમાં એક વર્ષ માટે ફરીથી સોનિયા ગાંધીને અંતરીમ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જોકે કાર્ય સમિતિની બેઠકમાં પત્રને લઈને રાહુલ ગાંધીએ કરેલ ગંભીર આક્ષેપ બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાહુલના એક આક્ષેપને કારણે દિગ્ગજ નેતાઓનો અસંતોષ સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા પૂર્વ સીએમ અને રાજ્યસભાના સાંસદે કોંગ્રેસના નેતૃત્વ પર વધુ એક સવાલ ઉઠ્યો છે. દિગ્વિજયસિંહે રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
સુત્રોના જણાવ્યા મુજબ એક ચેનલ સાથેની વાતચીતમાં દિગ્વિજયસિંહે જણાવ્યું કે, પાર્ટીમાં જે અસંતોષ છે. તે એક દિવસમાં નથી વધ્યો. આ વિવાદ એ દિવસથી વધ્યો છે જ્યારે સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષ બન્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દીધુ હતુ પણ તેઓ પડદા પાછળ રહીને તેનો દોરીસંચાર કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ કે તેના પુરાવા પાર્ટીના પદાધિકારીઓની નિમણુક સમેય મળ્યા હતા. સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ભલે કોંગ્રેસના અધ્યક્ષ ન રહ્યા પણ પડદાની પાછળ પાર્ટી પર તેમનું નિયંત્રણ રહ્યુ હતુ. જેના કારણે પાર્ટીના નેતાઓમાં અસંતોષ વધ્યો છે.