રાજ્યભરમાં હાલ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રોજના 1000થી પણ વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ એક બાદ એક કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પણ અનેક ધારાસભ્યો અને કોર્પોરેટર હાલ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તેમાંય ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ભાજપમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું હોય તેવુ પણ કહી શકાય. એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલીમાં જઈ આવેલા નેતાઓ એક પછી એક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ રેલીમાં ન ગયા હોય તેવા નેતાઓને વાયરસની ઝપેટમાં આવ્યા છે. દરમિયાન રાજકોટના મેયર બીના આચાર્ય તેમજ વડોદરાના વાઘોડીયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્વતને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ તમામ સ્થિતિને જોતા હવે રાજ્યમાં કોરોના રાજકીય પાર્ટીઓ માટે જોખમ સાથે બોધપાઠ બની રહ્યો છે.આ પહેલા રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ભાજપના નેતાઓની વાત કરવામાં આવે તો સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ધારાસભ્ય પુણેશ મોદી, ભાજપના કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ અને કેતન ઈનામદાર સહિતના નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
મહત્વનું છે કે, 20 અને 21મી ઓગસ્ટના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમની મુલાકાત દરમિયાન 20મી ઓગસ્ટના રોજ ગોંડલ ચોકડી ખાતે મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગરબા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા બાઈક તેમજ કાર રેલીમાં પણ જોડાયા હતા.ભાજપના આ કાર્યક્રમમાં જોડાનાર તેમજ તેમના સંપર્કમાં આવનાર ઘણા લોકો કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.