દુનિયામાં વધુ ત્રણ દેશોમાં કોરોનાનો કહેર ફેલાતા કોરોનાગ્રસ્ત દેશોની સંખ્યા વધીને 203 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસના કેસમાં 24 કલાકમાં 73085થી વધુ કેસ નોંધાયા છે. જેના પગલે વિશ્વમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા સાડા નવ લાખથી પણ વધુ થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા આશરે 50 હજારથી પણ વધુ પહોંચી ચુકી છે. ત્યારે ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં તેની વ્યાપક અસર જોવા મળી છે.
અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ 45 હજાર 66 થઈ ગઈ છે. જ્યારે 6075 લોકોએ જીવ ગુમાવ્યો છે. સિંગાપુરના પ્રધાનમંત્રી લી સિએન લુંગએ શુક્રવારે દેશભરમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. ફેસબુક પોસ્ટ દ્વારા તમણે આ જાણકારી આપી.તેઓએ કહ્યું કે કોરોના ફેલાયા બાદ અમે આ સંકટ સામે શાંતિથી અને યોગ્ય રીતે લડી રહ્યા છીએ.
લોકડાઉન સાત એપ્રિલથી લાગુ થશે. રેસ્ટોરાં, સુપર માર્કેટ, હોસ્પિટલ, પરિવહન અને બેંકિંગ સેવા ચાલુ રહેશે. સિંગાપોરમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજારથી વધારે થઈ ગઈ છે. હાલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.ઈટાલી અને સ્પેનની વાત કરીએ તો ઈટાલીમાં એક લાખ 14 હજાર 242 કેસ નોંધાયા છે અને 13 હજાર 915 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ 12 હજાર 65 કેસ નોંધાયા છે અને 10 હજાર 348 લોકોએ જીવ ગુમાવ્યા છે.