કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા થયા છે. હોસ્પિટલોમાં પણ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે જો તમે એમ માનતા હોવ કે હાથ પર સેનિટાઈઝર લગાવવાથી કોરોનાના જંતુઓ મરી જાય છે તો એ ભ્રમ છે.
કારણકે ફૂડ એન્ડ ડ્ર્રગ્સ વિભાગે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જે ચોંકાવનારો છે. રીપોર્ટ મુજબ રાજ્યભરની સરકારી હૉસ્પિટલોમાં વપરાતી દવા અને સેનિટાઇઝરના સેમ્પલ ફેલ થયા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી છેલ્લા છ મહિનામાં વિવિધ 123 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 80 સેમ્પલ કસોટીમાં ખરા નથી ઉતર્યાં. આ અંગેની માહિતી ખોરાક અને ઔષધ નિયમનની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે સેમ્પલ નિષ્ફળ થયા છે તેમાંથી મોટાભાગની દવા ગુજરાત મેડિકલ કોર્પોરેશન તરફથી ખરીદવામાં આવી હતી.
ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા Covid 19માં નીરવ ફાર્માસ્યુટીકલ પાસેથી હેન્ડ સેનિટાઇઝરની ખરીદી કરવામાં આવી હતી. જેની કુલ બેચમાંથી 14 બેચના સેમ્પલ નિષ્ફળ રહ્યા છે.
મહત્વનું છે કે, નીરવ ફાર્માસ્યુટીકલમાંથી ખરીદવામાં આવતા હેન્ડ સેનિટાઇઝરમાં નિયમ પ્રમાણે આલ્કોહોલનું પ્રમાણ ન હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે અત્યાર સુધી તમે હેન્ડ સેનિટાઇઝર લગાવ્યા બાદ કોરોનાના ચેપનો ખતરો ટળી ગયાનું માનતા હતા તે વાત તમારી મોટી ભૂલ પણ હોઈ શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનો ચેપ જે રીતે વધ્યો છે તેનું એક કારણ હલકી ગુણવત્તાનું હેન્ડ સેનિટાઇઝર પણ હોઈ શકે છે. ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીમાંથી ખરીદવામાં આવેલા એન્ટાસિડ, લિક્વિડ બોટલ, બોટલ ચઢાવવાની સિરિજ, એન્ટિબાયોટિક, સર્જરીમાં વપરાતા કોટન જેવી ઘણી બેચ નિષ્ફળ રહી છે