ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ પોતાના રાજ્યમાં ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે શિવસેનાએ આ મુદ્દે સીએમ યોગીના પગલાનું સ્વાગત કર્યુ છે. જોકે બીજીબાજુ મોદી સરકાર પર કટાક્ષ કરીને નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યુ છે કે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પણ એક ફિલ્મ સિટી બનાવવાની યોજના ઘડવી જોઈએ. આખરે દરેક રાજ્યએ ભારતીય સિનેમા જગતમાં પોતાનું યોગદાન આપ્યું છે.
શિવસેનાએ સામનવામાં લખ્યું કે, એક સમય હતો જ્યારે આપણું સિનેમા જગત શૂટિંગ માટે કાશ્મીર, શિમલા, મનાલી અને શિલોંગ જેવા ક્ષેત્રોમાં જતું હતું. રોમેન્ટિક ગીતો માટે કાશ્મીર સૌનું પ્રિય સ્થળ હતું. ત્યાં પણ ભવ્ય ફિલ્મ સિટીનું નિર્માણ થઈ શકે. દરેક લોકોએ ફિલ્મ જગતમાં પોતાનું યોગદાન આપ્યું છે. મુખપત્ર સામાનામાં શિવસેનાએ મુંબઈનો પણ ઉલ્લેખ કરતા લખ્યુ કે મુંબઈને દેશ-દુનિયામાં જે મહત્વ મળ્યું છે, તેમાં સિનેમા જગતનું મહત્વપૂર્ણ યોગદાન છે. મુંબઈને માયાનગરી એટલા માટે જ કહેવામાં આવે છે. સાથે જ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી મુંબઈને બદનામ કરવાના અને તેને કચડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં કામ કરી રહેલા મુખ્ય લોકો પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.