હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. રાજ્યની બે મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટાચૂંટણીમાં સીધો જંગ જામશે. જોકે, આ વખતે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પોતાના ચાર ઉમેદવારોને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
આ ચારેય અપક્ષ ઉમેદવારોએ શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ મોરચાને સમર્થન આપ્યુ છે જેમાં અબડાસા, મોરબી, ડાંગ અને કપરાડા બેઠકનો સમાવેશ થાય છે. તેમજ પોતાના ચારેય ઉમેદવારોને જીતાડવા માટે શંકરસિંહ વાઘેલા તેમના માટે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ તેમણે મોરબી અને અબડાસા પહોંચીને આ ઉમેદવારો માટે ચૂંટણી સભા પણ સંબોધી હતી.
આપને જણાવી દઈએ કે, અબડાસા બેઠક પર હનીફ પડયારને ચૂંટણી પ્રતીક બેટ સાથે ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે.
જ્યારે મોરબી બેઠક પર સતવારા સમાજના વસંત પરમારને ટ્રેક્ટર ચલાવતા ખેડૂતના નિશાન સાથે ઉતારાયા છે.
તો ડાંગ બેઠક પર મનુભાઈ ભોયેને શેરડી અને ખેડૂતના ચૂંટણી નિશાન સાથે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જ્યારે કપરાડા બેઠક પર ભાજપના અસંતુષ્ટ અને ભાજપ વતી લડીને 2012માં વિધાનસભા બેઠક હારેલા પ્રકાશ પટેલને અપક્ષ ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે.