સુરત બિટકોઈન પ્રકરણનો મુખ્ય આરોપી અને છેલ્લા કેટલાક સમયથી પોલીસથી નાસતો-ફરતો શૈલેષ ભટ્ટ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરી છે. જોકે, શૈલેષ ભટ્ટની જમીનની લેતી દેતી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં જ તેની વિરુદ્ધ સુરત ખાતે ફરીયાદ દાખલ કરાવામાં આવી હતી. ત્યારે હવે આર્મ્સ એક્ટ કેસમાં શૈલેષ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી પોલીસ સાથે મળીને તેને ઝડપ્યો છે. મહત્વનું છે કે, બિટકોઈન કેસમાં ચર્ચાસ્પદ બનેલો શૈલેષ ભટ્ટ વોન્ટેડ હતો.
આપને જણાવી દઈએ કે, શૈલેષ ભટ્ટ સામે બિટકોઈન ઉપરાંત સુરતના સરથાણા વિસ્તારમાં બિલ્ડરને આપેલા વ્યાજના રૂપિયાના બદલામાં હવાલો આપીને સૌરષ્ટ્રના ગેંગસ્ટરોને મોકલી ગેરકાયદેસર રીતે બિલ્ડરના ફ્લેટનો કબ્જો જમાવવાના કેસમાં પણ તેની સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી, જે અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. શૈલેષ ભટ્ટે સરથાણાના બિલ્ડરને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હતાં. બિલ્ડર બે ટકાના દરે વ્યાજ સાથે 6 કરોડ ચૂકવ્યા હોવા છતાં શૈલેષ ભટ્ટ બીજા રૂપિયા માંગતો હતો. આ રૂપિયા કઢાવવા માટે તેણે ગોંડલ નજીકના રિબડામાં રહેતા અનિરુધ્ધસિંહ જાડેજાને હવાલો આપી પોતાના માણસો મોકલી બિલ્ડરને હથિયારો બતાવી ધમકી આપી સાથે ફ્લેટ પર કબ્જો જમાવ્યો હતો.
આ કેસમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવતાં પોલીસે કબ્જો જમાવનારને ઝડપી લઈને શૈલેષ ભટ્ટ સહિતના સામે ગુનો નોંધ્યો હતો. તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ત્યારે આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમબ્રાંચે આ મામલે અન્યોની સામે પણ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.