ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતાં સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. તેવામાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ પણ મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં આવેલ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલ બીએપીએસ સંસ્થાના તમામ હરિમંદિરો પણ દર્શન માટે બંધ રહેશે.
બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામીની આજ્ઞાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 10 એપ્રિલ એટલે કે આજથી 30 એપ્રિલ શુક્રવાર સુધી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના બીએપીએસ સંસ્થાના હરિમંદિરો દર્શન માટે બંધ રહેશે. તેમજ 30 એપ્રિલ બાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગામી નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારી દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. જેના પગલે આ પહેલા સંસ્થા દ્વારા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.