રાજ્યમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 76 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 262 થઈ ગઈ છે. રાજ્યમાં જે નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 8 અને પાટણમાં પણ સાત નવા પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 141 કોરોનાના દર્દી થઈ ગયા છે. પાટણમાં એક સાથે સાત પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે. સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે કુલ 8 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા…જેમાં 1 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આ સાથે જ પાટણ જિલ્લામાં અત્યાર સુધી 12 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.. જ્યારે પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે…પાટણમાં સિદ્ધપુરના કોરોના પોઝિટિવ એક દર્દીનું બે દિવસ અગાઉ મોત નિપજ્યું હતું. જે બાદ જિલ્લા પ્રશાસનની ટીમ હરકતમાં આવી છે. પાટણ જિલ્લામાં કોરોના વાયરસના એક સાથે હવે સાત પોઝિટિવ કેસ પણ સામે આવી ચુક્યા છે.. સિદ્ધપુરમાં સૌ પ્રથમ કોરોના પોઝિટિવ નોંધાયેલ 47 વર્ષીય યુવકનું ધારપુર હોસ્પિટલ ખાતે મોત નિપજ્યુ હતું. જેને લઈ તેની સાથે કરેલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જે નવા સાત કેસ સામે આવ્યા છે તેઓ પણ તેના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી હાલ સામે આવી છે.
પાટણમાં નોંધાયેલા સાત પોઝિટિવ કેસના દર્દીઓનું લિસ્ટ
- અબ્દુલવહાબ રહીમભાઈ ખોરજીયા (ઉંમર 60)
- હારીસ ઉસ્માનભાઈ (ઉંમર 28)
- સાનિયા અબ્દુલવહાબ ખોરજીયા (ઉંમર 20)
- હૈમીદા લાલજી ખોરજીયા (ઉંમર 55)
- રસીદા લાલજી ખોરજીયા (ઉંમર 52)
- લાલજી ઈબ્રાહીમ ખોરજીયા (ઉંમર 83)
- વહીદા અબ્દુલવહાબ ખોરજીયા (ઉંમર 54)