જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના મેલહુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોએ એક એકે-47 રાઈફલ અને એક પિસ્તોલ પણ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ગત મોડી સાંજથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.
ઓપરેશન બાદ ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ અંગે સેનાના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, શોપિયામાં જેનાપોરાના મેલહુરામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ હુમલો કરીને ભાગવનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ જવાનોએ તેને ઘેરી લીધા હતા અને બન્ને તરફે ભારે ગોળીબારી થઈ હતી.
આ અથડામણમાં સેનાના જવાનોએ એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મહત્વનું છે કે આ પહેલા પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ પર આતંકીઓએ ફાયરીંગ કરી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો.