અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં સુરક્ષાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર તંત્રએ હાલમાં જ આશંકા વ્યક્ત કરી હતી કે, 5થી 15 ઓગસ્ટ વચ્ચે આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જેને લઈ ઉત્તરપ્રદેશમાં પણ રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને તંત્ર સતર્ક થયુ છે.
જેને લઈ યૂપીના બધા જિલ્લાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર સાવધાની રાખવામાં આવી રહી છે. ભૂમિ પૂજન પહેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સુરક્ષાને લઈને મોટી બેઠક યોજી હતી.જેમાં મુખ્યમંત્રીના આદેશ મુજબ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને દરેક જિલ્લામાં સાવચેત રહેવાનો આદેશ આપ્યો હતો..
(File Pic)
ભૂમિ પૂજન કાર્યક્રમ અને પીએમ મોદીના પ્રવાસને જોતા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો અસામાજીક તત્વો પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. મહત્વનું છે કે, ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાની આતંકવાદી સંગઠનો – જૈશ એ મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ ઘડયું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર તેમજ દિલ્હીમાં પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.