દુનિયાભરમાં ઘેરા બનેલા કોરોના વાઇરસના સંકટના કારણે માણસો જ નહીં, દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા પણ બીમાર બની ગઇ છે. કોરોના વાઇરસના કારણે દુનિયા ફરી વખત મહામંદીમાં સપડાઇ છે.
આર્થિક વિશ્લેષકો વર્ષ ૧૯૩૦ની મંદી બાદની સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિ ગણાવી રહ્યાં છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા અનુસાર કોરોના મહામારીએ દુનિયાને અભૂતપૂર્વ સંકટમાં મૂકી દીધી છે.
ત્યારે કોરોના સંક્રમણને રોકવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે મંડપ સર્વિસ, કેટરિંગ, લાઇટિંગ, સાઉન્ડ, બેન્ડ વગેરે વ્યવસાયીઓની સિઝન નિષ્ફળ ગઇ છે.
લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સગાઇ સહિતના કાર્યક્રમો રદ થતાં કરોડોની ખોટ ગઇ છે. આ વ્યવસ્યામાં જોડાયેલા ૨.૫ લાખ લોકો બેરોજગાર બની ગયા છે.
લોકડાઉનના કારણે લગ્નપ્રસંગો કે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો ન યોજાવાને કારણે મંડપ ડેકોરેશન સર્વિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. આ ધંધા સાથે સંકળાયેલા શ્રમિક વર્ગની પણ હાલાકી વધી છે.
હવે લગ્નની સીઝન પૂરી થઈ ગઈ છે પરંતુ તેમના કારીગર વર્ગને સાચવી શકે તે માટે આવનારા સમયમાં તહેવારો ઉજવણીમાં થોડીક છૂટછાટ આપવામાં આવે તેવી માગ ઉઠી છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ, કોવીડ-૧૯ મહામારી અને લોકડાઉનના હિસાબે ખુબ જ મોટુ આર્થીક નુકશાન હોટેલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગ ભોગવી રહ્યો છે.