સામાન્ય રીતે લોકો એવું માને છે કે, કોઈપણ વ્યક્તિની વય નક્કી કરવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૂરતું અને માન્ય દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લઈ શકાય. સરકારી કચેરીઓમાં કોઈપણ વ્યક્તિની ચોક્કસ વય સાબિત કરવા માટે કેટલીક ગૂંચવાડો ઊભો થતો હોય છે. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જન્મ તારીખ સહિતની વિગતો આવે છે. પરંતુ બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે બાળકના વાલી દ્વારા મૌખિક રીતે જે વિગતો આપવામાં આવે છે, તેના આધારે આ પ્રમાણપત્ર બનાવવામાં આવે છે. ત્યારે હાઈકોર્ટે વય નક્કી કરવાના માન્ય દસ્તાવેજ તરીકે શાળા છોડ્યાના પ્રમાણપત્રને નકારી કાઢ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં એક ફોજદારી કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે પીડિતાની વય બાબતે કોઈ ચોક્કસ દસ્તાવેજ ન હોવાના અવલોકન સાથે આરોપીને દોષમુક્ત જાહેર કર્યો હતો. ઘટનાની વિગત પ્રમાણે 1994માં એક 12 વર્ષની બાળકીને ફસાવીને તેના પર બળાત્કાર ગુજારવાના 27 વર્ષ જૂના કેસમાં છૂટી ગયેલા આરોપી સામે સરકાર હાઈકોર્ટ પહોંચી હતી. 1996માં આરોપી સામે ચાલી ગયેલા કેસમાં આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે ફરિયાદી પક્ષ દ્વારા કેસને લગતા પુરાવા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા ન હતા, એવા અવલોકન સાથે આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પીડિતાએ કોર્ટ સમક્ષ આપેલું નિવેદન પણ પાયાવિહોણું હતું.
વર્ષો બાદ આરોપીના પિતાએ હાઈકોર્ટમાં પીડિતાની વય બાબતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટમાં પીડિતાની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1982 દર્શાવવામાં આવી હતી. પીડિતાના પિતાએ રજૂ કરેલા સ્કૂલ લિવિંગ સર્ટી બાબતે હાઈકોર્ટે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, પિતાને પુત્રીના જન્મ બાદ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. અધિકારીઓએ પણ આ બાબતે કોઈ પ્રકારની તપાસ કરી નથી. હાઈકોર્ટે કહ્યું કે કલમ 35 હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટને માન્ય દસ્તાવેજ તરીકે લઈ શકાય નહીં કારણ કે, વય બાબતે સ્કૂલ લિવિંગ સર્ટી એટલું મહત્ત્વનું નથી.