BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાની અટકળો વચ્ચે રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બહુ જલદી સૌરવ ગાંગુલી રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. જોકે સૌરવ ગાંગુલી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલની મુલાકાત અંગે રાજભવનના સુત્રોએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.
12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પશ્ચિમ બંગાળ આવવાનો કાર્યક્રમ છે અને સુત્રોનું માનીએ તો આ મુલાકાત દરમિયાન ઘણાં લોકો ભાજપમાં સામેલ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલી પણ ત્યારે જ ભાજપમાં સામેલ થઈ શકે છે.
રાજ્યપાલ સાથેની ગાંગુલીની આ મુલાકાત અંદાજે એક કલાક ચાલી હતી. મહત્વનું છે કે, છેલ્લા થોડા દિવસોથી ગાંગુલી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે તેમનું રાજ્યપાલને મળવું આ અટકળોને બળ આપે છે. આ સિવાય જ્યારે ગાંગુલીને BCCI અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે પરંતુ તેને લઈને ગાંગુલીનું કોઈ નિવેદન નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના બંગાળ પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, બંગાળના ભૂમિ પુત્ર જ બંગાળના આગામી મુખ્યમંત્રી હશે. એવામાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું સૌરવ ગાંગુલી જ એ બંગાળના ભૂમિ પુત્ર છે.