સાઉદી અરબમાં એક વ્યક્તિએ શુક્રવારે મોડી રાત્રે પૂરઝડપે કાર હંકરતા મક્કાની મોટી મસ્જિદના પ્રવેશ દ્વારમાં ઘુસાડી દીધી હતી. આ અંગેની જાણકારી સાઉદીની સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. તેમજ આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મક્કાની મોટી મસ્જિદમાં ગત મોડી રાત્રે બનેલી ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં એક કાર ચાલકે પૂરઝડપે કાર હંકારી પહેલા તો બેરીકેટ તોડી નાંખ્યા અને ત્યારબાદ પણ તે કાર હંકારતો રહ્યો અને પછી મોટી મસ્જિદના દક્ષિણમાં આવેલ ગેટ નંબર 89 પર કાર પૂરઝડપે અથડાવી દીધી હતી.
https://twitter.com/departed__soul/status/1322419738467880960?s=20
આ ઘટનાને લઈ પહેલા તો નાસભાગ મચી ગઈ હતી. જોકે, તૈનાત સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર ચાલક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી અને કારને પોતાના કબજે કરી હતી.
પ્રાથમિક તપાસમાં કાર ચાલક વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યુ છે. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા મહિનાથી બંધ મસ્જિદને હાલમાં જ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવી છે.