26 વર્ષ બાદ સરહદ પર તીડનુ ઝુંડ ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ બોર્ડર પર ત્રાટકનારા તીડનાં ઝુંડથી બચવા માટે મુલાકાત કરી હતી. 1993 બાદ તીડના ટોળાંઓનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવાય રહ્યું છે. એવી પણ શક્યતા છે કે બંને દેશો સંયુક્ત રીતે આ મુશ્કેલીનો સામનો કરશે.
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે મુનાબો ગામમાં અંદાજે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ સંકટથી બચવાના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. બુધવારે બોર્ડર પર આવેલાં તમામ જિલ્લાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. તીડ ચેતવણી વિભાગના અધિકારી મહેશ ચંદ્રે જણાાાવ્યું હતું કે 26 વર્ષ પછી તીડનાં ઝુંડનો ખતરો આટલા મોટાપાયે ઉભો થયો છે. જોકે, જેસલમેરમાં પહેલાં પણ આ ઝુંડ જોવા મળ્યા હતા. આ પાકિસ્તાનથી આવે છે અને ભારતના બાડમેર, જેસલમેર, બિકાનેર અને સૂરતગઢ વિસ્તારોમાં ફેલાઈ જાય છે.