પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધા બાદ પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબ અને સાનિયાને પાંચ વર્ષનો પુત્ર પણ છે જે સાનિયા સાથે રહે છે. શોએબે તેની નવી પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ પીટીઆઈને કહ્યું, “તે ‘ખુલા’ હતી જેમાં મુસ્લિમ મહિલા એકપક્ષીય રીતે તેના પતિને છૂટાછેડા આપી શકે છે.”
2022 થી શોએબ અને સાનિયા વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા અને છેલ્લા બે વર્ષમાં બંને સાથે જોવા મળ્યા ન હતા. થોડા સમય પહેલા શોએબે ઈન્સ્ટાગ્રામ પર સાનિયાને અનફોલો કરી દીધી હતી. સાનિયા અને શોએબે એપ્રિલ 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા અને બંને દુબઈમાં રહેતા હતા. સના જાવેદે પાકિસ્તાનની ઘણી ડ્રામા સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ 2020 માં ગાયક ઉમર જયસ્વાલ સાથે લગ્ન કર્યા પરંતુ બે મહિના પછી તેમના છૂટાછેડા થઈ ગયા.
સાનિયાએ ગયા વર્ષે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહ્યું હતું. તેણીની 20 વર્ષની કારકિર્દીમાં, તેણીએ 43 ડબલ્યુટીએ ડબલ્સ ટાઇટલ અને એક સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તેણીને ભારતીય મહિલા ટેનિસની પ્રણેતા કહેવામાં આવે છે. નોંધનીય છે કે સાનિયાએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે લગ્ન અને છૂટાછેડા બંને મુશ્કેલ છે, દરેક વ્યક્તિએ સમજદારીથી પસંદગી કરવી જોઈએ. તેણે પોસ્ટમાં લખ્યું છે કે જીવન સરળ નહીં હોય, હંમેશા મુશ્કેલ રહેશે. પરંતુ અમે અમારી મુશ્કેલી પસંદ કરી શકીએ છીએ. સમજી ને પસંદ કરો.