અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમજ ભારતના મહાન સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. 5 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ યોજાનાર શિલાન્યાસ વિધિના આ ગૌરવવંતા ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સંતો-મહંતોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જે પૈકી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
(File Pic)
આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પરમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમાં ભાગ લેવાના છે. ત્યારે મંગળવારે આ બન્ને સંતો ખાસ વિમાન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા.
(File Pic)
જ્યાં સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ દાસ સ્વામી આવતીકાલે યોજાનાર રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પહેલા પવિત્ર રક્ષાબંધન પર્વે ૩ ઓગષ્ટના રોજ મહંત સ્વામી મહારાજે શ્રીરામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે સંસ્થાના બન્ને વિદ્વાન સંતો અયોધ્યા લઈને પહોંચ્યા હતા.
જે આવતીકાલે યોજાનાર શિલાન્યાસમાં પોતાની શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે. રામ મંદિરના નિર્માણ અંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે રામમંદિરનું નિર્માણ કાર્ય સૌની એકતાથી નિર્વિઘ્ને પૂર્ણ થાય અને ભગવાન રામલલા તેમાં ધામધૂમપૂર્વક વિરાજમાન થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.