ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહે શુક્રવારે સવારે 3 વાગ્યાની આસપાસ એક ટ્વિટ કર્યું અને ફ્લાઈટમાં તેમની વિરુદ્ધ ષડયંત્રનો આરોપ લગાવ્યો. આ ટ્વીટમાં તેમણે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. સાધ્વી પ્રજ્ઞાએ ટ્વીટ કર્યું, ‘જ્યારે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જી મુંબઈથી આકાસા એરની ફ્લાઈટથી દિલ્હી આવ્યા હતા, ત્યારે ડ્યુટી મેનેજર ઈમરાન અને તેના સહયોગીઓ દ્વારા કાવતરું રચીને મને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું આશા રાખું છું કે તમે ચોક્કસપણે પગલાં લેશો. જય શ્રી રામ.’
સાધ્વી પ્રજ્ઞાના ટ્વીટ બાદ આકાસા એરલાઈન્સ તરફથી જવાબ આવ્યો છે. એરલાઇનના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે અમને ખેદ છે કે ફ્લાઇટની મુસાફરી દરમિયાન તેમને ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો. સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ 15 ફેબ્રુઆરીના રોજ અમારી ફ્લાઇટ QP1120માં મુસાફરી કરી હતી. તેમને થયેલી કોઈપણ તકલીફ અને અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમે આ મામલે વિગતવાર તપાસ કરીશું. અમે અમારી સેવાઓને કેવી રીતે વધુ બહેતર બનાવી શકીએ તે જાણવા માટે અમે આને એક અનુભવ તરીકે જોઈ રહ્યા છીએ.