દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણા દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રશિયામાંથી એક સારા અહેવાલ સામે આવ્યા છે. રશિયામાં કોરોના વાયરસ વેક્સીન સ્પુટનિક વીની પ્રથમ બેચ તેના નાગરીકો માટે બહાર પાડવામાં આવી છે. રશિયન આરોગ્ય મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, આ રશિયન રસીએ તમામ ગુણવત્તા ચકાસણી પસાર કરી છે અને હવે સામાન્ય નાગરીકો માટે તેને બહાર પાડવામાં આવી છે. રશિયન રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ અઠવાડિયાથી શરુ થવા જઈ રહી છે. રશિયાએ ગત મહિને જ આ વેક્સીનને મંજૂરી આપી હતી જે બાદ દુનિયાભરમાં ખાસ કરીને પશ્ચિમ દેશોમાં આ વેક્સીનને લઈને સવાલ ઉઠવા લાગ્યા હતા. આ પહેલા 6 સપ્ટેમ્બરે મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આશા વ્યક્ત કરી હતી કે આગામી કેટલાક મહિનામાં રાજધાનીના મોટાભાગના લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે.
એવી પણ માહિતી સામે આવી છે કે સ્પુટનિક વીના છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી ભારતમાં પણ શરુ થશે. ભારત ઉપરાંત યુએઈ, સાઉદી અરેબિયા, ફિલિપાઈન્સ અને બ્રાઝિલમાં પણ ક્લિનિકલ ટ્રાયલ શરુ કરાશે આપને જણાવી દઈએ કે, રશિયાના વૈજ્ઞાનિકોએ પણ કોરોના વાયરસની તેમની રસી અંગે પ્રથમ રિપોર્ટ હાલમાં જ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં શરુઆતના પરીક્ષણોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સંકેતો જોવા મળ્યા હતા. મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ રસી મુકાવનાર દરેક વ્યક્તિના શરીરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા એન્ટિબૉડી જોવાં મળ્યાં હતાં તેમજ આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર થઈ નહોતી.