કોરોના મહામારીએ દુનિયાની આર્થિક અને સામાજિક રીતે કમર તોડીને રાખી દીધી છે. આ સમયે દરેક લોકોને કોરોનાની વેક્સીન આવવાની રાહ છે. આ વચ્ચે રશિયાથી મહત્વના સમાચાર આવ્યાં છે. રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાની પહેલી કોરોના વેક્સીનની મંજૂરી આપી શકે છે. આ જાણકારી સીએનએનના રિપોર્ટમાં આપવામાં આવી છે. રશિયન અધિકારીએ સીએનએને જણાવ્યું કે વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ કે તેની પહેલાની તારીખ પર કામ કરી રહ્યા છીએ. આ વેક્સીન મોસ્કો સ્થિત ગમલેયા ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વેક્સીનને પબ્લિક વપરાશ માટે મંજૂરી આપવામાં આવશે. ફ્રંટલાઇન આરોગ્ય વર્કર્સોને આ પહેલા મળી જશે. પરંતુ રશિયાએ હજુ સુધી વેક્સીનની ટ્રાયલનો કોઇ ડેટા જારી કર્યો નથી. આ કારણે તેની પ્રભાવશીલતા અંગે કોઇ ટિપ્પણી કરી શકાય નહીં. ટીકાકારોનું કહેવું છે કે જલ્દી વેક્સીન લાવવાનું રાજકીય દબાણ છે, જે રશિયાને એક વૈશ્વિક વૈજ્ઞાનિક શક્તિ તરીકે દર્શાવવા માટે ઉત્સુક છે. એ સિવાય વેક્સીનના અધૂરા હ્યૂમન ટ્રાયલ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
(File Pic)
રશિયન વેક્સીને તેનો બીજો તબક્કો પણ પૂરો કરવાનો બાકી છે. ડેવલપરે 3 ઓગસ્ટ સુધી તેને પૂરો કરવાની યોજના બનાવી છે. જે બાદ ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાશે. જ્યારે રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, રશિયન સૈનિકોએ હ્યુમન ટ્રાયલમાં વોલંટિયર્સ તરીકે કામ કર્યું છે. અધિકારીઓના કહેવા મુજબ રશિયામાં વધી રહેલા કોરોના સંકટના કારણે દવાને મંજૂરી આપવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 82 લાખથી વધારે કોરોનાના મામલા સામે આવી ચુક્યા છે.