ગુજરાતની રુપાણી સરકારે હવે નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમાં વધારો કરી રહી છે. જેમાં માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ. 3.13નો વધારો થશે.
મળતી માહિતી મુજબ, આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોને વધારે દર ચૂકવવા પડી શકે છે.
નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લિટરે 3.80 રૂપિયા રાખ્યા છે, જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લિટરે 31.38 રૂપિયા રાખ્યા છે. મહત્વનું છે કે, નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં 2006-07ના વર્ષે પહેલીવાર પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પીવાના પાણી માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા.