જુનાગઢનો રોપ વે ગણતરીના દિવસોમાં શરૂ થાય તેવા શુભ અણસાર મળી રહ્યા છે, અને કદાચ 9 નવેમ્બરના દિવસે જ રોપ-વે શરૂ કરી દેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. જૂનાગઢના ગરવા ગઢ ગિરનાર ઉપર શરૂ થનાર રોપવે હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થાય તે માટેની આખરી કામગીરી પૂર્ણ થવાના આરે છે અને રોપવે ની ટ્રોલીનો ટેસ્ટિંગ થતો હોવાનો વીડિયો પણ વાયરલ થતા જુનાગઢના નગરજનો સહિત પ્રવાસીઓમાં ભારે ખૂશીની લહેર પ્રસરી જવા પામી છે. રુ. 130 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ એશિયાનો સૌથી મોટો રોપ વે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે જુનાગઢના ગરવા ગિરનાર ઉપર રોપવે આખરી કામગીરી પૂર્ણતાના આરે છે. ગિરનાર પર્વત પરના રોપવેનો પ્રારંભ નવમી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટે રોપ-વેની કામગીરી કરતી ઉષા પેકિંગ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉષા બેરકોના રીજનલ હેડ દીપક કાપલિશ કહ્યું કે, ‘2.3 km લાંબા રોપવેનું લગભગ કામ 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ જશે. જોકે 9 નવેમ્બર આઝાદી સમયના જૂનાગઢ રાજ્યનો સ્વતંત્રતા દિવસ છે. જેને લઈને જૂનાગઢના લોકોની પણ ઇચ્છા છે કે આ જ દિવસે રોપ વેનું ઉદ્ઘાટન કરવામાં આવે. તેમજ ગુજરાત ટુરિઝમ વિભાગ પણ કંઈક આવો જ પ્લાન ધરાવે છે.’ પરંતુ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવન કહ્યું કે ‘એકવાર સરકાર પાસેથી સૂચન મળ્યા બાદ જ અમે રોપવેના ઉદ્ઘાટનની તારીખ જાહેર કરીશું.’