ICC T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ગ્રુપ-1માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પોતાની પ્રથમ બે મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે જીતી છે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીના MEME સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો શેર કર્યા બાદ પંતે પોતાની આ હિંમત માટે માફી પણ માંગી છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા આ પાંચેય મેચ જીતી ચૂકી છે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની ખૂબ નજીક છે.
આ વીડિયો શેર કરતી વખતે ઋષભ પંતે લખ્યું, ‘મહાન વિજય… બધા ભાઈઓ માફ કરશો… મારે આ અદ્ભુત વીડિયો પોસ્ટ કરવો પડ્યો. આ વિડિયો બનાવનાર વ્યક્તિનો આભાર, મારું પ્રથમ સ્ક્રીન રેકોર્ડિંગ. ઋષભ પંત માટે T20 વર્લ્ડ કપ 2024 અત્યાર સુધી શાનદાર રહ્યો છે. પંતે ભલે એક પણ અડધી સદી ફટકારી ન હોય, પરંતુ તેણે લગભગ દરેક મેચમાં પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે.
પંતે આયર્લેન્ડ સામે અણનમ 36, પાકિસ્તાન સામે 42, અમેરિકા સામે 18, અફઘાનિસ્તાન સામે 20 અને બાંગ્લાદેશ સામે 36 રન બનાવ્યા હતા. 2022ના અંતમાં પંતની કારનો અકસ્માત થયો હતો. તે અકસ્માત બાદ તે આ ટૂર્નામેન્ટ સાથે જ ટીમ ઈન્ડિયાની જર્સીમાં વાપસી કરી રહ્યો છે. પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું અને ત્યાં પણ કેટલીક મજબૂત ઈનિંગ્સ રમી.