ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તની જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડી.પી બુચનો કાર્યકાળ વર્ષ 2018માં પૂર્ણ થતાં આ પદ ખાલી પડ્યું હતું અને નવા લોકાયુક્ત માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ રાજેશ શુક્લાની રાજભવન ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં શપથવિધિ કાર્યક્રમ સાથે તેમને લોકાયુક્ત તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત હાઇકોર્ટના તમામ જજ, કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા લોકાયુક્ત ની શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાામાં હતી અને તેમાં R.H શુક્લાનું નામ સૌથી મોખરે હતું. ત્યારે સત્તાવાર રીતે તેમને ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરાયા છે.
1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ રાજેશ શુક્લાએ 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેન ક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા. નિવૃત્ત જસ્ટીસ આર એચ શુક્લાએ 2010માં એક VIP વ્યક્તિના જામીન આપ્યા હતા જે હાલમાં દેશમાં એક મહત્વના અને શક્તિશાળી પદ પર કાર્યરત છે.